કોરોનાને કાબુમાં રાખવા જિલ્લા વહીવટી તંત્ર ખડેપગે.. બનાસકાંઠા કલેકટરશ્રી સંદીપ સાગલે અને આરોગ્યના અધિકારીઓની પરિસ્થિતિ પર સીધી નજર
કોરોનાને કાબુમાં રાખવા જિલ્લા વહીવટી તંત્ર ખડેપગે..
બનાસકાંઠા કલેકટરશ્રી સંદીપ સાગલે અને આરોગ્યના અધિકારીઓની પરિસ્થિતિ પર સીધી નજર
આરોગ્યની ૩ હજાર ટીમો, ૧૬૦૩ મહેસૂલ અને પંચાયતના
અધિકારીઓ-કર્મચારીઓ, ૩૩૬૫ આંગણવાડીની બહેનો ફરજ પર
(માહિતી બ્યુરો, પાલનપુર)
નોવેલ કોરોના વાયરસ કોવિડ-૨૦૧૯ના સંક્રમણને કાબુમાં રાખવા તથા આ વાયરસને ફેલાતો અટકાવવા માટે બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સરકારના માર્ગદર્શન પ્રમાણે વ્યાપક કામગીરી કરવામાં આવી રહી છે. બનાસકાંઠા કલેકટરશ્રી સંદીપ સાગલે અને આરોગ્યના અધિકારીઓ કોરોનાની પરિસ્થિતિ પર સીધી નજર રાખી રહ્યા છે. આજદિન સુધી બનાસકાંઠા જિલ્લામાં કોરોના વાયરસનો એકપણ પોઝીટીવ કેસ નોંધાયો નથી પરંતું સરકારની સુચના પ્રમાણે જિલ્લા વહીવટી તંત્રએ આગોતરૂ આયોજન કરી કોરોના સંક્રમિત દર્દીઓની સારવાર માટે તથા આ વાયરસને ફેલાતો અટકાવવા સહિતના જરૂરી તમામ પગલાં લીધા છે. બનાસકાંઠા જિલ્લાના આરોગ્ય વિભાગના અધિકારીઓ સઘન મોનીટરીંગ કરી કોરોના વાયરસનું સંક્રમણ જિલ્લામાં ન ફેલાય તે માટે અથાગ મહેનત કરી રહ્યા છે. જિલ્લામાં હાઇરીસ્ક ગ્રુપમાં આવતા તમામ વ્યક્તિઓનું જિલ્લાકક્ષાએથી સીધુ મોનીટરીંગ કરવામાં આવે છે. ગામડાઓમાં લોકોને ઘેરબેઠાં સારવાર મળી રહે તે માટે મોબાઇલ ઓ.પી.ડી. શરૂ કરવામાં આવી છે. તાવ, શરદી, ખાંસી કે માથાના દુઃખાવાના લક્ષણો ધરાવતા વ્યક્તિઓનો આશા કે મલ્ટી પર્પઝ અને ફિમેલ હેલ્થ વર્કર દ્વારા સંપર્ક કરવામાં આવે છે.
બનાસકાંઠા જિલ્લામાં પ્રથમ તબક્કાનો સઘન સર્વે પૂર્ણ કર્યા બાદ ૨૪૨૫ આશા, ૧૫૨૮ મલ્ટી પર્પઝ અને ફિમેલ હેલ્થ વર્કર, ૨૫૨ જેટલાં મેડીકલ ઓફિસર તબીબી સ્ટાફ સહિતની આરોગ્યની ૩ હજાર જેટલી ટીમો દ્વારા ઘેર ઘેર ફરીને સર્વે કરવામાં આવી રહ્યો છે. બનાસકાંઠા જિલ્લામાં બહારથી આવેલા પ્રવાસીઓનું સઘન મોનીટરીંગ અને સ્ક્રીનીંગ કરવામાં આવ્યું છે.
લોકડાઉનની પરિસ્થિતિમાં લોકોને જીવન જરૂરીયાતની તમામ વસ્તુઓ સરળતાથી મળી રહે તે માટે બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા વ્યાપક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ કામગીરી માટે ૮૦૩ મહેસૂલી અધિકારીઓ અને કર્મચારીઓ તથા ૮૦૦ પંચાયત વિભાગના કર્મચારીઓ ફરજ બજાવી રહ્યા છે. ૩૩૬૫ આંગણવાડી અને તેડાગર બહેનો તથા ૩૨ આઇ.સી.ડી.એસ.ની સુપરવાઈઝર બહેનો ફરજ બજાવી રહી છે.
લોકડાઉનના સમયમાં લોકોને દૂધ, શાકભાજી, કરીયાણું, મેડીકલ પ્રોવિઝનલ સ્ટોર્સમાંથી દવાઓ વગેરે સરળતાથી મળે તે માટે વિક્રેતાઓને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કુલ-૧૩,૯૧૭ પાસ ઇસ્યુ કરવામાં આવ્યા છે. લોકોને ઘેરબેઠાં કરીયાણું મળી રહે તે માટે દુકાનદારો સાથે સંકલન કરી હોમ ડીલીવરીની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ગઇકાલે કલેકટરશ્રી સંદીપ સાગલેના હસ્તે સ્ટેય હોમ બી.કે. નામની મોબાઇલ એપ લોન્ચ કરવામાં આવી છે જેના પર આર્ડર બુક કરાવી લોકો સરળતાથી વસ્તુઓ અને સેવાઓ ઘેરબેઠાં મેળવી શકે તેવી સુંદર વ્યવસ્થા ગોઠવાઇ છે. જિલ્લાના કંટ્રોલ રૂમ પરથી અધિકારીઓ જિલ્લાની તમામ પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે.
બનાસકાંઠા જિલ્લામાં ૪,૭૭૦ પોલીસ, હોમગાર્ડ અને
ગ્રામરક્ષક દળના જવાનો લોકોની સેવામાં ખડેપગે
બનાસકાંઠા જિલ્લામાં લોકડાઉનના ચુસ્ત અમલ થાય તથા કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે તે માટે બનાસકાંઠા પોલીસ અધિક્ષકશ્રી તરૂણ દુગ્ગલના વડપણ હેઠળ ૪,૭૭૦ જેટલાં પોલીસ, હોમગાર્ડ,ગ્રામરક્ષક દળ,વન વિભાગ, એક્સ-આર્મીમેન અને એન.એન.એસ.ના વિધાર્થીઓ વોલેન્ટીયર તરીકે ફરજ બજાવી રહ્યા છે. જિલ્લામાં ૧૫૮૪ પોલીસ જવાનો, ૧૪૮૨ હોમગાર્ડ જવાનો, ૧૪૨૯ ગ્રામરક્ષક દળ, ૮૭ વન વિભાગ, ૨૫ એક્સ-આર્મીમેન અને ૧૬૩ જેટલાં એન.એસ.એસ.ના વિધાર્થીઓ લોકડાઉનનું ચુસ્ત પાલન કરાવવા માટે પોલીસ ફોર્સના જવાનો સાથે લોકોની સેવામાં રાઉન્ડ ધ ક્લોક ખડેપગે ફરજ બજાવી રહ્યા છે.