યાત્રાધામ અંબાજીમાં ભક્તિ અને શ્રદ્ધાનું ઘોડાપૂર, ભાદરવી મેળો સોળે કળાએ જામ્યો..
રિપોર્ટ નીરજ બોરાણા બનાસકાંઠા
દૂર-દૂરથી પગપાળા યાત્રા કરીને આવતા માઇભક્તો માતાજીના દર્શન કરી ધન્ય બન્યા
પવિત્ર અને પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળા પ્રસંગે ભક્તિ, શક્તિ, તપ અને શ્રદ્ધાનાં જાણે ઘોડાપૂર ઉમટ્યાં છે. ભાદરવી પૂનમનો મહામેળો હવે સોળે કળાએ જામ્યો છે. દૂરદૂરથી પગપાળા યાત્રા કરીને અંબાજી આવીને માઇભક્તો માં અંબેના દર્શન કરીને ધન્ય બન્યાં છે.
અંબાજી જતા તમામ રસ્તાઓ ઉપર ભરચક માનવપ્રવાહ ભક્તિભાવથી અંબાજી તરફ ઉત્સાહભેર આગળ વધી રહ્યો છે. રસ્તાઓ ઉપર ઘણી જગ્યાએ ગરબાની રમઝટ જોવા મળે છે. માતાજીના આ પવિત્ર અને દિવ્ય પ્રસંગમાં ઘણા માઇભક્તો ગરબામાં જોડાઇ જાય છે અને ગરબા રમીને માતાજીની આરાધના કરે છે.
અંબાજી ખાતે મીની મહાકુંભના દર્શન જેવો માહોલ જોવા મળે છે. હાથમાં ધજાઓ, મનમાં માત્ર ભક્તિ અને આનંદ, ઉલ્લાસ સાથે લાખો માઇભક્તોના આગમનથી અંબાજી જાણે કે વધુ સોહામણું બન્યું છે. દર્શન કરીને પરત ફરતા માઇભક્તોના કપાળે કુમ કુમ તિલક, હાથમાં ચુંદડી અને પ્રસાદ તથા મોં પર ધન્યતા, આનંદ અને સંતોષ જોવા મળે છે. દિવસોથી રાત- દિવસ ચાલીને અંબાજી પહોંચેલા શ્રધ્ધાળુઓ સુખ- સંતોષરૂપ અંબાજીની યાત્રા સંપન્ન કરી પરત ફરી રહ્યાં છે.
કલેકટરશ્રી આનંદ પટેલ મેળાની પરિસ્થિતિ અને વિશેષ તો યાત્રિકોની સુવિધાઓ પર ઝીંણવટભરી સતત કાળજી અને વોચ રાખી રહ્યા છે. જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓ અને કર્મચારીઓ સેવાભાવ સાથે ખડેપગે સેવામાં રહે છે. લાખો યાત્રિકો અંબાજીમાં સરસ સ્વચ્છતા જોઇને જિલ્લા વહીવટીતંત્રની કામગીરીની સરાહના કરી રહ્યાં છે. દર્શન માટે અંબાજી મંદિર પરિસરમાં સારી વ્યવસ્થા હોવાથી યાત્રિકોની લાંબી લાઇનો છતાં કોઇને લાંબો સમય લાઇનમાં ઉભા રહેવું પડતુ નથી. પ્રસાદ કેન્દ્રો પણ પુરતી સંખ્યામાં હોવાથી યાત્રિકોને કોઇ તકલીફ પડતી નથી.
ભાદરવી મહામેળામાં લોકો અંબાજી ચાલતા કેમ જાય છે
ભાદરવી મહામેળા પ્રસંગે અંબાજી ચાલતા- પદયાત્રા દ્વારા જવાનો ખાસ મહિમા છે. આદ્યશક્તિ મા અંબે શક્તિ સ્વરૂપ હોવાથી ચાલીને, કષ્ટદ વેઠતા અંબાજી જવાથી માતાજી જલ્દી પ્રસન્ન થાય છે તેવી પણ માન્યતા છે. ઉપરાંત ભાદરવી મહામેળા પછી આસો માસમાં નવરાત્રિ આવે છે. આથી નવરાત્રિમાં પોતાના ગામની માંડવડીમાં રમવા પધારવા માતાજીને આમંત્રણ આપવા માઇભક્તો ચાલતા અંબાજી આવે છે.
મા એ સુપડુ ભરીને જવ આપ્યાી રે માવડી...........
અંબાજી તીર્થસ્થાન બહુ પ્રાચીન સમયથી હોવાનો પુરાણો અને ધર્મગ્રંથોમાં ઉલ્લેખ છે. સીતાજીને શોધતા ભગવાન શ્રીરામ અને લક્ષ્મ ણ પણ માતાજીના સ્થાનકે આવ્યા હોવાનો પુરાણોમાં ઉલ્લેખ છે. શ્રીકૃષ્ણકનું ચૌલકર્મ પણ અંબાજીમાં થયાની માન્યતા છે. પાંડવો પણ વનવાસ દરમ્યાન
અંબાજી નજીક કોટેશ્વરમાં રોકાયા હોવાનું કહેવાય છે.
બહુ પ્રાચીન અને પુરાણા યાત્રાધામ અંબાજી વિશે ધર્મગ્રંથો અને પુરાણોમાં વિસ્તૃત ઉલ્લેખ છે. તેમજ ઘણી લોકકથાઓ, માન્યતાઓ પણ છે.
એવુ કહેવાય છે કે સદીઓ પહેલાં ગબ્બર વિસ્તારમાં એક રબારી ગાયો ચરાવવા જાય ત્યારે એક ગાય બહારથી આવી તેની ગાયોમાં સામેલ થઇ જતી અને સાંજે પાછી જતી રહેતી. એક દિવસ રબારી ને વિચાર આવ્યો કે ગાયની ચરાઇ લેવા જવુ છે. આથી તે ગાયની પાછળ પાછળ ચાલ્યો, ઘણું ચાલ્યા પછી એક વિશાળ મહેલ આવ્યો તેમાં એક સ્ત્રી હિંચકા ઉપર ઝુલતાં હતાં. તેમણે રબારીને ચરાઇ પેટે સુપડુ ભરીને જવ આપ્યાય.
વિશાળ ભવ્ય મહેલ અને તેમાં સોનાના હિંચકા ઉપર ઝુલતી સ્વરૂપવાન દિવ્ય તેજસ્વી સ્ત્રીને જોઇને ચરાઇ વધારે મળશે તેવી રબારીને લાલચ થઇ હતી. તેણે સુપડુ ભરીને આપેલા જવ તો લઇ લીધા પણ રસ્તામાં તેણે ગુસ્સામાં પોટલામાં બાંધેલા જવ ફેંકી દીધા. રબારીએ ઘેર આવીને તેની પત્નીને વાત કરી અને જોયુ તો કપડાંમાં જવ બાંધ્યા હતા તેમાં બે ત્રણ હીરા ચોંટેલા હતા.
રબારીને તેની ભુલનું ભાન થયું. પછી રબારી અને તેની પત્ની એ મહેલને શોધવા નિકળ્યાં ઘણા દિવસો સુધી તેઓ રખડ્યાં પણ ક્યાંય મહેલ કે એ જગ્યા ના મળી. થાકેલા રબારી પતિ-પત્ની ડુંગરામાં રડવા માંડ્યા કે હે મા......અમને દર્શન આપો, ત્યારે માતાજીએ પ્રગટ થઇ દર્શન આપ્યાીની માન્યતા છે.
આજે પણ ગરબામાં ગવાય છે કે, મા એ સુપડુ ભરીને જવ આપ્યા રે માવડી.......
ગબ્બર ખાતે ૫૧ શક્તિપીઠોના દર્શનનો ખાસ મહિમા
માતાજીનું મૂળ પ્રાગટ્ય સ્થાન ગબ્બર હોવાની માન્યતા છે. અંબાજી આવતા યાત્રિકો પૈકી ઘણા યાત્રિકો નિયમિત ગબ્બર દર્શન કરવા જાય છે.
તત્કાલીન મુખ્યમંત્રીશ્રી અને અત્યારે આપણા લોકપ્રિય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના માર્ગદર્શનથી ગબ્બર ખાતે માતાજીના તમામ સ્વરૂપો સમાન ૫૧ શક્તિપીઠોનાં મંદિરોનું નિર્માણ કરવામાં આવ્યું છે. શક્તિપીઠોના અસલ મંદિરો જેવા જ મંદિરો ગબ્બર પરિક્રમા પથ ઉપર બનાવાયા છે તેમજ અસલ મંદિરોમાં જેવી પૂજા થાય છે તેવી જ પૂજા અહીં પણ થાય છે.
સામાન્ય રીતે કોઇ માણસને તેના જીવનમાં તમામ શક્તિપીઠોનાં દર્શન થાય તે કામ બહુ કપરૂ છે. કારણ કે દેશ, વિદેશમાં આવેલ તમામ શક્તિપીઠોના દર્શન કરવાનું દરેક માટે શક્ય નથી. પરંતુ અંબાજી ખાતે ૫૧ શક્તિપીઠોના મંદિરોનું નિર્માણ થતાં આદ્યશક્તિ અંબાજી ધામના દર્શને આવનારા લાખો શ્રદ્ધાળુઓને હવે એક જ સ્થળે એક સાથે પ૧ શક્તિપીઠના દર્શનનો લાભ મળતો થયો છે. અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા ગબ્બર ઉપર અને શક્તિપીઠોમાં તમામ સ્થળોએ સારી સુવિધા ઉપલબ્ધ બનાવવામાં આવી છે.
તાજેતરમાં અંબાજી ગબ્બર ખાતે રૂ. ૧૩.૩પ કરોડના ખર્ચે નવનિર્મિત સૌથી મોટા લાઇટ એન્ડ સાઉન્ડ શૉનો પ્રારંભ કરવામાં આવતા આ વર્ષે મેળામાં યાત્રિકો અને દર્શનાર્થીઓના આકર્ષણ માટે લાઈટ એન્ડ સાઉન્ડ શોનું નવું નજરાણું ઉમેરાયું છે. જેના રોજ રાત્રે 3 જેટલા શો યોજવામાં આવે છે.